આજથી સવા બસો વર્ષ પહેલાં આ ભારતીય સંસ્કૃતિને તોડનારાં અનેક પરિબળો ઉભાં થયાં હતાં. વહેમ, અજ્ઞાન, અંધશ્રદ્ધા, નિરક્ષરતા અને કુરિવાજોનાં જાળાં બંધાઇ ગયાં હતાં. ચારે તરફ અંધાધૂંધી હતી એ સમયે અયોઘ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ -૯ને સોમવાર તા. ૨-૪-૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય થયું. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.
છપૈયાપુરમાં અનેક પ્રકારની બાળલીલાઓ કરી અનેક નરનારીને પોતાની તરફ આકર્ષ્યા. કાલીદત્ત જેવા મોટા-મોટા અસુરોનો નાશ કરી નગરજનોની રક્ષા કરી. નાની વયે સંસારનો ત્યાગ કરી વનમાં ૭ વર્ષ ૧ માસ ૧૧ દિવસ સુધી સારાય ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસ ને તા. ૨૮-૧૦-૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.
સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી તા. ૧૬-૧૧-૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી ત્યારે સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે બે વરદાનો માગ્યાં. (૧) તમારા ભકતને એક વીંછીનું દુ:ખ થવાનું હોય, તેને બદલે એ દુ:ખ રુવાંડે, રુવાંડે અમને થાઓ પણ તમારા ભકતને ન થાઓ. (૨) તમારા ભકતને કર્મમાં રામપાતર આવવાનું લખ્યું હોય તો તે રામપાતર અમને આવે, પણ તમારો ભકત અન્ન, વસ્ત્રે દુ:ખી ન થાય. આવાં પરોપકારી વરદાનો રામાનંદ સ્વામીએ રાજી થઇને આપ્યાં.
પ્રાગટ્ય:
ભગવાન શ્રી સ્વામિનારાયણનાં પિતા શ્રી હરિપ્રસાદ પાડેં ઇટારપુરનાં સરવરિયા બ્રાહ્મણ બાળશર્માનાં પુત્ર હતા. તેમના માતા પ્રેમવતી છપૈયાના શ્રી કૃષ્ણ શર્મા ના પુત્રી હતાં. હરિપ્રસાદ અને પ્રેમવતી બંને પરિત્ર અને ધર્મપરાયણ હોવાને કારણે તેઓ ધર્મદેવ અને ભક્તિદેવીના નામથી ઓળખાવા લાગ્યા. તેમનાં પ્રથમ પુત્ર રામપ્રાપનો જન્મ છપૈયામાં થયો, જેઓ ભગવાન શેષનારાયણનો અવતાર હતા.દુર્વાસા મુનિનાં શાપને લિધે ધર્મ-ભક્તિને અસુરોનો સતત ત્રાસ રહ્યા કરતો. આથી ધર્મદેવ છપૈયાથી સપરિવાર અયોધ્યા આવ્યા. ત્યાં પણ અસુરોનો ત્રાસ નહિ ઓસરતાં ધર્મદેવ અને ભક્તિમાતા યાત્રા અર્થે કાશી અને પ્રયાગ ગયા. પ્રયાગમાં તેમને ઉદ્ધવજીનાં અવતાર રામાનંદ સ્વામીનો મેળાપ થયો. તેમની પાસેથી બંનેએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છપૈયા પાછા આવ્યા. તેમનું સાત્વિક જીવન અને ધર્મનિષ્ઠા જોઇને લોકો તેમને સન્માનતા થયાં.પરંતું ફરી અસુરોએ તેમનું ધન લુંટી હેરાન કર્યા.
અસુરોના ત્રાસ નિવારણાર્થે ધર્મદેવ અને ભક્તિમાતાએ વૃંદાવન જઇ શ્રી કૃષ્ણની આરાધના કરી. શ્રી કૃષ્ણે તેઓને દર્શન આપ્યા અને તેમનાં ઘરે અવતરી અસુરોનું દુ:ખ દૂર કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું વચન આપ્યું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનાં વરદાન સાથે ધર્મદેવ અને ભક્તિમાતા છપૈયામાં રહીને ભક્તિ કરવા લાગ્યા અને મુમુક્ષુ જીવોને ઉદ્ધવ સંપ્રદાયની દિક્ષા આપવા લાગ્યા.
અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1837નાં ચૈત્ર સુદ નોમ (3 ઍપ્રિલ, 1781)નાં રોજ રાત્રિનાં દશ વાગ્યે ભક્તિમાતાનાં પુત્ર રૂપે થયું.
માર્કંડેય મુનિએ ભક્તિ-ધર્મનાં પુત્રનાં હરિ, હરિકૃષ્ણ અને ઘનશ્યામ એમ ત્રણ નામ પાડ્યાં.
છપૈયામાં ભગવાનનાં પ્રાગટ્યથી દૈવી જીવો પ્રસન્ન થયાં. પરંતુ, અસુર જનોએ ભગવાનને નાનપણમાં જ મારી નાંખવા માટે અનેક ઉપદ્રવો શરૂ કર્યા. અસુરોમાં મુખ્ય કાળીદત્ત નામનાં રાક્ષસે બાળ ઘનશ્યામને મારી નાખવા માટે કૃત્યાઓ મોક્લી પરંતુ તેઓ ભગવાનને કંઇ પણ કરી ના શકી અને ભગવાનનાં અનન્ય ભક્ત હનુમાનજીએ બધી કૃત્યાઓને મારી મારીને અધમુઇ કરી નાખી! આ પછી ખુદ કાળીદત્ત ભગવાનને મારી નાખવાનાં ઇરાદા સાથે બાળકનું રૂપ લઇને આવ્યો અને પોતાની માયાવી શક્તિઓનો પ્રયોગ કર્યો. પણ ભગવાને એને પણ પોતાના પ્રતાપથી માર્યો . આ રીતે વારંવાર ઉપદ્રવોથી ત્રાસીને અંતે ધર્મદેવ ફરીથી અયોધ્યામાં આવીને વસ્યા. બાળ ઘનશ્યામ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવન વગેરે પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મ્રુતિ વગેરે ભણ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.
સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. ત્યારથી સમગ્ર અનુયાયી વર્ગ સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યો અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાંય જગમાં પ્રસિદ્ધ થયો.
પછી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દીવો ત્યાં દાતણ નહીં એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઇ મુખ્ય ગણાતા. ધોળા દિવસે વડોદરાનું રાજય તેઓ લૂંટી લેતા. તલવારની ધાર કેવી નીકળી તે જોવા માટે ભરબજારે એકસાથે સો-બસો માણસોને પીંખી નાખતા અને હસતાં-હસતાં કહેતા શું તલવારની ધાર નીકળી છે!
આવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ ભગવાને હાથમાં માળાઓ આપી દીધી. કપાળમાં નયનરમ્ય તિલક-ચાંડ્લા કરતા કરી દીધા અને સંતોની સાથે ગામડે-ગામડે ફરી અનેક સત્સંગ કરાવતા કરી દીધા અને જનસમાજને ડાકુઓથી બચાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે સ્વામિનારાયણ ભગવાને લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરી. પતિની પાછળ પત્નીને પણ પરાણે ભડભડતી ચિત્તામાં નાળિયેર હોમે તેમ હોમી દેવામાં આવતી આવા ભયાનક અને ક્રૂર કુરિવાજોને સ્વામિનારાયણ ભગવાને જાકારો દીધો. હિંસામય યજ્ઞોમાં અનેક નિર્દોષ પશુઓને હોમી દેવામાં આવતાં. આવા હિંસાયમ યજ્ઞનો નિષેધ કરી અહિંસામય યજ્ઞો જેતલપુર અને ડભાણ આદિ અનેક સ્થળોએ કરીને જનસમાજને શાસ્ત્રોકત રીતે આવા અહિંસામય યજ્ઞો કરવાની પ્રેરણા આપી. વહેમ, અંધશ્રદ્ધાનાં જાળાં તોડયાં અને દારૂ, માંસ, ભાંગ, તમાકુ, ગાંજૉ આદિ વ્યસનોથી પીડાતા જનોને મુકિત આપી આર્થિક રીતે પણ સુખી કર્યા.આવી રીતે અનેકાનેક ઉપાયો કરીને સ્વામિનારાયણ ભગવાને ઘોર અંધકારમય વાતાવરણમાં જે સમાજ જીવતો હતો તેને ભારતીય સંસ્ક્રુર્તિ શું છે? આપણા વેદ અને ધર્મશાસ્ત્રો કેવી રીતે જીવન જીવવાનું કહે છે તે સમજાવ્યું અને હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી.માત્ર ૨૮-૨૯ વર્ષના નાના ગાળામાં આખા ભારત દેશની રોનક બદલાઇ ગઇ. સત્સંસ્કારો વૃદ્ધિને પામે તે અર્થે સ્વામિનારાયણ ભગવાને ૧૨૦૦થી પણ વધુ સંતો બનાવ્યા. ગામે-ગામે ફરી અનેકને સદાચારી જીવન જીવતા કર્યા.
શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણનાં અવતાર વિષેની આગાહી
ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતાર અંગેની આગાહીઓ આપણાં અનેક શાસ્ત્રોમાં કરવામાં આવી છે. જેમકે,- પદ્મ પુરાણ:
પાખંડ બહુલે લોકે સ્વામિનામ્ના હરિ: સ્વયમ્ |
પાપપંક નિમગ્નં તજ્જગદુદ્વારયિષ્યતિ ||
અર્થ: જ્યારે લોકમાં પાખંડ વધી જશે ત્યારે સ્વયં શ્રી હરિ સ્વામિનારાયણ નામ ધારણ કરીને પાપરૂપ કાદવમાં ખુંચેલા જગતનો ઉદ્ધાર કરશે.પાપપંક નિમગ્નં તજ્જગદુદ્વારયિષ્યતિ ||
- બ્રહ્માંડ પુરાણ:
દત્તાત્રેય: કૃતયુગે ત્રેતાયાં રઘુનંદન: |
દ્વાપરે વાસુદેવ: સ્યાત્ કલૌ સ્વામિવૃષાત્મજ: ||
અર્થ: સતયુગમાં દત્તાત્રેય ભગવાન, ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન, દ્વાપરયુગમાં વાસુદેવ ભગવાન અને કળિયુગમાં ભગવાન ધર્મના પુત્ર શ્રી સ્વામિનારાયણ તરીકે પ્રગટ થશે.દ્વાપરે વાસુદેવ: સ્યાત્ કલૌ સ્વામિવૃષાત્મજ: ||
- વિશ્વસેન સંહિતા:
ભૂમ્યાં કૃતાવતારોયં સ્ર્વાનેતાન જનાનહમ્ |
પ્રાપયિષ્યામિ વૈકુંઠં સહજાનંદ નામત: ||
અર્થ: હું સહજાનંદ નામથી ભૂમિ ઉપર અવતાર ધારણ કરી આ સર્વ લોકોને માયાના સર્વ અવરોધોથી પાર અક્ષરધામને પમાડીશ.પ્રાપયિષ્યામિ વૈકુંઠં સહજાનંદ નામત: ||
ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કળીયુગમાં ધર્મ સ્થાપન અર્થે અવતાર લેવાનો આપેલો કોલ
એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંધની સાથે યુદ્ધસમય આવતા શ્રી કૃષ્ણે પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતાં, આ રીતે પોતાના પ્રાદુર્ભાવના ધારણની પ્રતિજ્ઞા કરી હતી:"અન્યો: અપિ ધર્મરક્ષાયૈ દેહ સંભ્રિયતે મયા |
- વિરામાયાપ્યધર્મસ્ય કાલે પ્રભવત: કચિત્ ||"
“અસ્માલ્લોકાદુપરતે મયિ જ્ઞાનં મદાશ્રયમ્ |
- અર્હત્યુદ્ધવ એવાદ્ધા સંપ્રત્યાત્મવતાં વર: ||
નોદ્ધવો: અણ્વપિ મન્ન્યૂનો યદ્ગુણૈર્નાર્દિત: પ્રભુ: |
- અતો મદ્વયુનં લોકં ગ્રાહયન્નિહ તિષ્ઠતુ ||’’
ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત:
ધર્મની આવી દૂર્દશાથી વ્યથિત થઇ દિવ્યદેહે પૃથ્વિ પર વિચરતાં ઋષિમુનિઓ પ્રજાને આ દૂર્દશામાંથી મુકાવવાની પ્રાર્થના કરવા બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નરનારાયણ પાસે એકઠાં થયાં અને ત્યાં પ્રભુઇચ્છથી જ ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત આ રીતે બની આવ્યું.......બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણદેવ મુનિઓ સાથે બિરાજેલા હતા. ત્યાં મરીચિ, શુક, ગર્ગ, ગૌતમ વગેરે અનેક ઋષિઓ ભગવાન નરનારાયણનાં દર્શનાર્થે આવ્યા. નરનારાયણે તેમને ભરતખંડમાં લોકો ધર્મનું પાલન કેવુંક કરે છે તેમ પૂછતાં ઋષિઓએ અધર્મનું જોર વધી ગયું હોવાનું અને ધર્માચરણમાં ચોમેર શિથિલતા પ્રવેશી હોવાનું વર્ણન કર્યું. આ સમયે તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને નારાયણ ઋષિ ભરતખંડમાં વ્યાપેલા અધર્મની વાત કહેવા લાગ્યા. તેમને સાંભળવામાં બધાં એક ધ્યાન થઇ બેઠાં હતાં, તે સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. તેમનાં પ્રત્યે કોઇનું ધ્યાન ન જતાં ક્રોધે ભરાઇ તેમણે શાપ આપ્યો કે “તમો બધાં મનુષ્ય દેહને ધરો અને અસુરજનો તરફથી પીડાને પામો.”
આ રીતે શાપના નિમિત્તે મનુષ્ય દેહ ધારણ કરનારાઓમાં ભગવાન શ્રી નારાયણ તે જ સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન, તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ તે જ માતા પ્રેમવતી ને પિતા હરિપ્રસાદ પાંડે અને ઉદ્ધવજી તે જ ગુરુ રામાનંદ સ્વામી.
વધુ આવતા સપ્તાહે.......

Comments
Post a Comment